નવસારીમાં યમરાજ બની ત્રાટકેલા કાળમુખા ટેમ્પાએ લીધો ૨૨ વર્ષીય યુવાનનો જીવ…

ઘણી વખત એવા બનાવ બનતા હોય છે જે જોઈ સૌ કોઈ બોલી ઉઠે છે ” હે.. ઈશ્વર તારા ખજાને ક્યાં ખોટ પડી કે અમારે ખજાને લૂટ કરી” આવી એક ઘટના નવસારીમાં બનવા પામી હતી જ્યાં પરિવારનો એક માત્ર આધાર માતા પિતાનો એકનો એક પુત્ર છીનવાઇ ગયો હતો. આ ઘટના બાદ માતા પિતા અસહ્ય દુખ અને વેદનામાં સરી પડ્યા હતા.

ઘટના અંગેની મળતી માહિતી મુજબ ૨૨ વર્ષીય યુવાન જેનું નામ કૃણાલ કુંદનભાઈ ગુપ્તા હોવાનું જાણવા મળ્યું છે સવારના સુમારે પોતાના કોઈ કામ અર્થે બાઇક લઈને ઘરે થી નવસારી રેલ્વે સ્ટેશનથી ગુપ્તા હોટલ જતાં સિંગલ લેન રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે યમરાજ બની ત્રાટકેલા કાળમુખા ટેમ્પા એ કૃણાલને અડફેટે લેતા કૃણાલ જમીન પર પટકાઈ ગયો હતો અને ટ્રકનું પાછળ ટાયર કૃણાલના માથા પરથી ફરી વળતા કૃણાલનું ઘટના સ્થળે જ  કમકમાટી ભર્યું મોત થયું હતું. જ્યારે અકસ્માત સર્જી ટેમ્પો ચાલક નાસી છૂટ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ નવસારી ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યારે સમગ્ર મુદ્દે પોલીસે ટેમ્પો ચાલક સામે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

એકનો એક લાડકવાયો પુત્ર ગુમાવનાર પરિવાર ઉપર જાણે આભ ટૂટી પડ્યું હતું. મળતી માહિતી અનુસાર કૃણાલ ગુપ્તા નારણલાલા કોલેજમાં બી.કોમના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. સાથે જ પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા ડિલીવરી બોય તરીકે નોકરી પણ કરતો હતો. કૃણાલ માતા-પિતાનો એકનો એક દિકરો હતો, ત્યારે કૃણાલનું અકસ્માતમાં મોતના સમાચાર સાંભળતા જ માતા-પિતા સબંધીઓ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમના અફાટ આંક્રંદથી ઘટના સ્થળનું વાતાવરણમાં જાણે શોક નું મોજું ફરી વળ્યું હતું. જયારે મૃતક કૃણાલની માતા બેભાન થઈ ઢળી પડ્યા હતા બાદમાં પોતાના દિકરાના મૃતદેહ પાસે જ બેસીને આંસુ સાર્યા હતા. ત્યારબાદ પરિવારના અન્ય સભ્યોએ માતા-પિતાને સાંત્વના આપી ઘટના સ્થળેથી લઈ ગયા હતા.

માતા પિતાનો એક નો એક આધાર છીનવાઇ જવાથી તેમની શું મનોદશા હશે તેની માત્ર કલ્પના જ કરી શકાય છે ઘટનાની જાણ થતાં નવસારીમાં દુખની લાગણી પ્રસરી જવા પામી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *