રામ મંદિરનો પ્રારંભ, મંદિર નિર્માણ માટે બનાવવામાં આવશે 44 લેયરનો પાયો, 6 લેયર તૈયાર,જુઓ પ્રથમ તસવીર

અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણ માટે બનાવવામાં આવતા પાયાની પહેલી તસવીર સામે આવી છે. પાયાનાં છ લેયર તૈયાર થઈ ગયાં છે. તાઉ-તે અને યાસ વાવાઝોડા-વરસાદને કારણે છેલ્લા કેટલાક દિવસથી અહીં કામ બંધ હતું, જે સોમવારથી ફરી શરૂ થયું છે. શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સોમવારે કામકાજ જોવા માટે મંદિર પરિસરની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે આ કામ આવતા ઓગસ્ટ સુધીમાં પૂરું થઈ જશે.

1.20 લાખ સ્ક્વેરફૂટમાં બની રહ્યો છે પાયો:-ચંપત રાયે જણાવ્યું હતું કે 400 ફૂટ લંબાઈ અને 300 ફૂટ પહોળાઈ વિસ્તાર (1.20 લાખ સ્ક્વેરફૂટ)માં મંદિરનો પાયો બની રહ્યો છે. એમાં 44 લેયર બનાવવામાં આવશે. લેયર 12 ઈંચ જાડાઈનું બનાવવામાં આવી રહ્યું છે. રોલર ચલાવવાથી એ 2 ઈંચ દબાઈને 10 ઈંચ થઈ જાય છે. ત્યાર પછી બીજું લેયર તૈયાર કરવામાં આવે છે.

આ જમીન સમુદ્ર તળથી 93 મીટર ઉપર:-મહાસચિવ ચંપત રાયે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિર માટે સમુદ્ર તળથી 105 મીટર ઉપર ભૂમિપૂજન કર્યું હતું. હવે ભૂમિનો કચરો હટાવી દેવામાં આવ્યો છે. જમીનને સમથળ કરવામાં આવ્યા પછી હવે આ જમીન સમુદ્ર તળથી 93 મીટર ઉપર છે.

પાયામાંથી નીકળેલી જમીનને પ્રસાદી તરીકે લઈ જઈ રહ્યા છે શ્રદ્ધાળુઓ:-અયોધ્યામાં રામ મંદિરના પાયામાંથી નીકળેલી જમીનને રામ મંદિરની પ્રસાદી માનીને એને ઘરે-ઘરે પહોંચાડવાની યોજના પર કામ શરૂ કરવામાં આવ્યું હતું. રોજ અહીં રામલલાનાં દર્શન કરવા માટે આવનારા શ્રદ્ધાળુઓ એને પવિત્ર રજકણ માનીને પેકેડ ડબ્બામાં પોતાની સાથે લઈ જતા હતા. જોકે કોરોનાને કારણે થોડા દિવસોથી આ બંધ છે.

કારસેવક પુરમમાં મૂકવામાં આવી છે માટી:-શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના કાર્યાલય પ્રભારી પ્રકાશ ગુપ્તાનું કહેવું છે કે મંદિર નિર્માણમાંથી નીકળેલી માટી કારસેવક પુરમમાં રાખવામાં આવી છે. મઠ-મંદિરોના સંતોએ શ્રદ્ધાળુઓને રામ મંદિરના સ્થળેથી મળેલા રજકણને આપવાની માગ કરી હતી, જે નાના ડબ્બાઓમાં પેક કરીને કારસેવક પુરમથી વિતરિત કરાતી હતી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.