જે વ્યક્તિ ના અંતિમ સંસ્કાર કર્યા બાદ ત્રણ જ કલાંક મા તે વ્યક્તિ ઘરે પાછો આવ્યો ! પોલીસ અને પરિવાર પણ ગોથું ખાઈ ગયા…જાણો વિગતે

કોઈ સ્વજનનું અચાનક અવસાન થાય ત્યારે પરિવારની મનોસ્થિતિની કલ્પના કરવી પણ મુશ્કેલ છે પણ માનો કે પરિવારના કરુણ આક્રંદ વચ્ચે એ સ્વજન જીવતો પાછો ફરે તો? વાંચવામાં ભલે ફિલ્મી લાગે પણ આવો રિયલ કિસ્સો વડોદરામાં બન્યો છે. એક પરિવારે બિનવારસી લાશ પોતાના પુત્રની હોવાની માનીને તેના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. પોલીસે પણ થાપ ખાઈને લાશ સોંપી દીધી હતી. ભાંગી પડેલો પરિવાર સ્મશાનથી ઘરે પહોંચ્યો તેની થોડી જ વારમાં જેના અંતિમ સંસ્કાર કરાયા હતા તેણે ઘરમાં એન્ટ્રી મારી હતી. પુત્રને જીવતો જોઈને ડૂસકાં ભરતાં પરિવારની આંખો પહોળી થઈ ગઈ હતી.

વાત એમ છે કે ગઈ 16મી જૂનના રોજ વડોદરાના દુમાડ ચોકડી પાસે હાઈવે પર છાણી પોલીસને અંદાજે 45 વર્ષીય અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. જેની તસવીરો પોલીસ સોશિયલ મીડિયામાં ફરતી થઈ હતી. દરમિયાન વાઘોડિયા સોમેશ્વપુરા ગામમા રહેતા શનાભાઈએ પોલીસમાં આવીને લાશ પોતાના પુત્ર સંજયની હોવાનું કહ્યું હતું. દીકરાની લાશ જોતા જ પિતા ભાંગી પડ્યા હતા. ઘરે મૃતદેહ આવતાં જ પત્ની અને સંતાનોના કરુણ આક્રંદથી ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. અનેક સંબંધીઓની હાજરીમાં ભારે હૈયે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મુખાગ્નિ આપીને પરિવાર ઘરે આવ્યો હતો. ગમગીની અને ગૂમસૂમીનો માહોલ હતો. બરોબર આ જ સમયે જેના અંતિમ સંસ્કાર કરાયા હતા એ સંજય હાજર થયો હતો. પરિવાર થોડીવાર તો કંઈ સમજી નહોતો શક્યો. કોઈ માનવા તૈયાર નહોતું કે સંજય જીવતો પાછો આવ્યો છે. જોકે બાદમાં સ્થિતિ સમજાતા પરિવારમાં હરખ છવાઈ ગયો હતો.

પ્રથમ તસવીર વડોદરાના દુમાડ ચોકડી પાસે હાઈવે નજીક મળી આવેલી લાશની છે, જ્યારે બીજી તસવીરમાં જેનો મૃતદેહ હોવાનું માની લેવાયું હતું એ સંજયની છે. બંનેમાં એટલી બધી સામ્યતા હતી કે બધા થાપ ખાઈ ગયા હતા. જેની લાશ સમજીને અંતિમસંસ્કાર કરાયા હતા તે સંજય અને મૃતદેહ વચ્ચે આબેહૂબ સામ્યતાઓ હતી. મૃતકનો દેખાવ, શરીરનો બાંધો, ઉંમર અને સંજોગો એવા બન્યા કે પરિવાર થાપ ખાઈ ગયો હતો. એટલું જ નહીં, લાશની ઓળખમાં એવા આટાપાટા સર્જાયા કે પોલીસે પણ ગોથું ખાઈ ગઈ હતી. જોકે પોલીસે સામેથી પોતાનાથી ભૂલ થઈ ગઈ હોવાનો સ્વીકાર કરી લીધો હતો.

કેવી રીતે મળ્યો મૃતદેહ?
આ અંગે મિડીયાએ છાણી પોલીસ સ્ટેશનના PSI કે એચ અંબારિયા સાથે વાત કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે નેશનલ હાઇવે નજીક દુમાડ ચોકડી પાસે પાણીનો નિકાલ કરવાનો વોકળો છે, તેના ઢાળ પર મૃતદેહ પડ્યો હતો. એક પોલીસમિત્ર ત્યાંથી પસાર થયા અને તેમને સ્મેલ આવી એટલે તેમણે પાછા વળીને જોયું તો લાશ દેખાઈ. FSLની હાજરીમાં બૉડી ખસેડી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર બૉડીનો ફોટો જોઈ એક વૃદ્ધ (શનાભાઈ) આવ્યા હતા.

પિતા, પુત્ર અને સગાઓ સહિત 15 લોકો લાશ ઓળખવામાં થાપ ખાઈ ગયા
PSI અંબારિયાએ જણાવ્યું હતું, ‘શનાભાઈ લાશનો ચહેરો જોઈને જ રડવા લાગ્યા હતા અને કહ્યું કે આ મારો છોકરો છે. તેને મહિના પહેલાં જોયો હતો. ટ્રક- ટેમ્પો ચલાવતો અને હોટલ- ઢાબા ઉપર સૂઈ રહેતો, જેથી અમે તેમને સરખી રીતે ખરાઈ કરવા PM રૂમ પર મોકલ્યા. શનાભાઈએ PM રૂમમાં પણ લાશને ઓળખી બતાવી અને પોતાના દીકરાની હોવાનું જણાવ્યું હતું. અમે ID પ્રૂફ માગતાં શનાભાઈએ નામ-સરનામાવાળું નવું ચૂંટણી સ્માર્ટકાર્ડ રજૂ કર્યું, બીજે દિવસે 17 તારીખે સવારે તેમનાં 10-15 સગાં આવ્યાં, જેમાં મૃતકનો દીકરો પણ હતો. તેણે પણ પોતાના પિતાનો જ મૃતદેહ હોવાનું કહ્યું હતું. લાશને એકાદ દિવસ થઈ ગયો હોવાથી ડીકમ્પોઝ થવા લાગી હતી. હુમલો કે બાહ્ય ઇજાઓના નિશાન પણ નહોતા. સગાઓની ખરાઈ બાદ લાશનું PM થયું, જેમાં વિશેરા સહિતની વિગતો લેવામાં આવી. બાદમાં બૉડી સગાને હેન્ડઓવર કરી હતી. જે બાદ પરિવારજનોએ છાણી સ્મશાનમાં બપોરે અંતિમ સંસ્કાર કરી દાહ આપી દીધો હતો.’

અંતિમ સંસ્કારના ત્રણ કલાક બાદ સંજય પ્રગટ થયો
PSI અંબારીયાએ જણાવ્યું હતું, ‘મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા બાદ પરિવાર તેમના ઘરે પાછો ફર્યો હતો. બીજી તરફ સાંજે સાડા સાતે સંજય વડોદરામાં જ તેના દૂરના સગાને મળવા આવ્યો હતો. સગાઓ તેને શનાભાઈના ઘરે લઈને ગયા હતા. બાદમાં સંજયને લઈ બધા પોલીસ સ્ટેશન આવ્યા હતા. અમે પછી ઉપરી અધિકારીને જાણ કરી કરી હતી. જે લાશ સંજયની હોવાનું માનતા હતા તેને ફરીથી હવે અજાણી લાશ જાહેર કરી છે. આ લાશની ઓળખ માટે ફરીથી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.’

ચહેરાથી લઈને બાંધો દીકરા જેવો લાગતો હતો: પિતા શનાભાઈ
શનાભાઇ સોલંકીએ મિડીયાને કહ્યું હતું, ‘મારો પુત્ર બે મહિનાથી ઘરે આવતો નહોતો. એને દારૂની પીવાની ટેવ છે. એ દિવસે એના ભાઈબંધો આવ્યા અને કહ્યું કે શનાકાકા એક બૉડી મળી છે. તમે જોઈ લો. તો અમે જોવા ગયા. તો મારા છોકરા જેવો જ ફેસ હતો. બધુ કમ્પલિટ મારા છોકરા જેવું હતું, લીટીવાળો શર્ટ પહેરેલો. એ જોઈને મેં કીધું કે સાહેબ મારો જ છોકરો છે. અમે છાણી સ્મશાન સુધી અંતિમ યાત્રા કરી. અમારા બધા સંબંધીઓ પણ આવી ગયા. એ બધું પતી ગયું પછી સાંજના સમયે સાત વાગ્યે મારો દીકરો રખડતો રખડતો ઘરે આવ્યો. એને અમે પુછ્યું તો તેણે કહ્યું કે હું કાગળિયા અને બોટલો વીણવા ગયો હતો. એટલે મેં કહ્યું કે આ ધંધો તારો છે? એ ડ્રાઈવર છે. એ દોઢ મહિના પછી ઘરે આવ્યો. એ ઘરે રહેતો જ નથી,

કેટલીય વખત જતો રહે છે. તે છેલ્લા 15 વર્ષથી આવું કરે છે. એ જાંબુઘોડામાં સાત-આઠ ચોપડી ભણેલો છે. સંજયને બે છોકરા અને એક છોકરી છે, એમાંથી એક છોકરો અને છોકરી પરણેલા છે. સંજય ટ્રક ગમે ત્યાં મૂકીને આવતો રહે છે. એટલે એને હવે કોઈ ગાડી ચલાવવા પણ આપતું નથી. સાંજે એને જોયો તો મને તો લાગ્યું કે આ આવ્યો ક્યાંથી? દોઢ મહિનાથી દેખાયો નહોતો. એના આવ્યા પછી ફળિયામાં બધા માણસો ભેગા થઈ ગયાં. બધાને નવાઈ લાગી. અત્યારે એ હાલોલ છે.

પોલીસની ચોકસાઈ છતાં એવા સંયોગો સર્જાયા કે લાશની ખોટી ઓળખી થઈ
1. પોલીસે કહ્યું કે લાશની ઓળખ માટે હંમેશાં સગા પાસે જ ખરાઈ કરાવીએ છીએ. આ લાશની ઓળખ કરવા તેના પિતા અને પુત્ર બંને આવ્યા હતા અને બંનેએ ખરાઈ કરી હતી. જોકે પિતા-પુત્ર આવ્યા હોવાથી સંજયભાઈની પત્નીને બોલાવાની જરૂર નહોતી પડી. અન્ય સગાઓ પણ ત્યાં હાજર હતા.

2. FSLમાં લાશની ઉંમર 45 વર્ષ હોવાનો રિપોર્ટ આપ્યો હતો. FSLના ઉંમરના રિપોર્ટમાં 5 વર્ષનો તફાવત રહેતો હોય છે, જેનો પુત્ર હતો એ શનાભાઈએ જે ID પ્રૂફ બતાવ્યું હતું, તેમાં પુત્રની ઉંમર 49 વર્ષ હતી. ID પ્રૂફમાં ચહેરો પણ મળતો આવતો હતો એટલે લાશ સંજયની હોવાનું લાગ્યું હતું.

3. ચહેરાથી ઓળખ થતી ન હોય એવી બિનવારસી લાશ મળે તો પહેરેલી કોઈ વસ્તુ પરથી ઓળખ કરાવતા હોઈએ છીએ પણ અમને જે લાશ મળી તેના પર કોઈ જ વસ્તુ નહોતી.

4. વ્યક્તિ જ્યાં નોકરી કરતી હોય ત્યાં તેના સાહેબ કે શેઠને ફોન કરીને કે રૂબરૂ જઈને ખરાઈ કરતા હોય છે પણ ગુમ થયેલી વ્યક્તિ કોઈ એક જગ્યાએ નોકરી કરતો નહોતો. તે અલગ અલગ જગ્યાએ ડ્રાઇવિંગ કરીને ફેરા મારતો હતો.

5. સંજયનો દોઢ મહિના પહેલાં ખરીદેલો સ્માર્ટફોન પણ ખોવાઈ ગયો હતો, ત્યાર પછી નવો ફોન લીધો નહોતો. તેના નામનું કોઈ સીમકાર્ડ પણ નહોતું.

6. સંજય નામે કોઈ બેંક એકાઉન્ટ, સરકારી કે ખાનગી, નાનો કે મોટો કોઈ વીમો નથી. કોઈ મંડળીમાં સભ્ય નથી. સંજયના નામે કોઈ મિલકત પણ નથી. એનું મકાન હતું એ પણ ડિમોલિશનમા પડી ગયું હતું. એટલે શનાભાઈ કે પરિવારજનોને વ્યક્તિને મૃત જાહેર કરીને પોલીસને ગેરમાર્ગે દોરીને કોઈ ફાયદો મળતો હોય એવું પણ લાગ્યું નહોતું.

7. સંજય અલગ અલગ વાહનોનું ડ્રાઇવિંગનું કામ કરતો હતો અને હાઇવે પર અવન-જવન કરતો રહેતો હતો. પોલીસને લાશ પણ હાઈવેની બાજુમાં મળી હતી તેમજ તેના તેના ખિસ્સામાં પણ ટ્રાન્સપોર્ટના વાહનોની ચાવી મળી આવી હતી, જે લાશ સંજયની જ હોવાનો પુરાવો આપતું હતું.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *