યુરિનમાંથી બનાવી ટેસ્ટી અને સ્વિટ બિયર: શું તમે પણ એનો ટેસ્ટ કરવા માંગો છો?
હાલમાં ચાલી રહેલી ઉનાળાની સિઝનમાં લોકો પાણી નો પુષ્કળ પ્રમાણમાં બેફામ વપરાશ કરી રહ્યા છે. જેથી આગામી કેટલાક સમયમાં સમગ્ર દુનિયા જળસંકટ સામે ઝઝુમી શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આવી પરિસ્થિતિ નો સામનો કરવા આપણે અત્યારથી જ પાણીને બચાવવા શક્ય તેટલું બધું કરવું જોઈએ. આવો જ એક પ્રયત્ન સિંગાપુરની સરકાર છેલ્લા ૨૦ વર્ષથી કરી રહી છે. સિંગાપુર સરકારે ગંદા પાણીને રીસાઈકલ કરવાની એક નવીન રીત શોધી કાઢી છે. સિંગાપોર ની વોટર એજન્સી પીયુબી અને લોકલ ક્રાફ્ટ બીયર કંપની બ્રૂવરક્ઝ દ્વારા સંયુક્ત રીતે ગટરના પાણી અને પેશાબમાંથી બીયર બનાવવાની કામગીરી કરવામાં આવે છે. જેનું નામ ‘ન્યુબ્રુ’ પાડવામાં આવ્યું છે. સિંગાપોરની સરકાર દ્વારા ન્યુબ્રુ ને વિશ્વની સૌથી ઈકો-ફ્રેન્ડલી બિયર તરીકે પ્રમોટ કરવામાં આવેલ છે.
ન્યુબ્રુ એક પ્રકારનું પાણી છે, જેને સિંગાપુરના પાણી પુરવઠામાં ગંદા પાણીને રીસાયકલ કરીને એવી રીતે ફિલ્ટર કરવામાં આવે છે કે તે પીવાનું શુધ્ધ પાણી બની જાય છે. રીસાયકલ કરેલા ગંદા પાણીથી બિયરનો સ્વાદ બદલાતો નથી તેવું કંપની નું કહેવું છે. બિયર બનાવવા માટે પુષ્કળ પાણીની જરૂર પડે છે, કારણ કે તે ૯૦% H2O છે. તેથી લોકોને પાણી વિશે જાગૃત કરવા માટેની ન્યુબ્રુ એક નવી પહેલ છે.
સિંગાપુરમાં લોકો પીવાના પાણી ની અછત ની સમસ્યા સામે સંઘર્ષ કરી રહ્યા છે. તેઓને પીવાનું પાણી પણ મલેશિયાથી ખરીદવાની ફરજ પડે છે તેવું બીબીસી ના રીપોર્ટમાં જણાવેલ છે. આવી પરિસ્થિતિ માં સિંગાપુરના લોકો પાસે પાણીને સ્વચ્છ પાણીમાં રૂપાંતર કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહિં રહે. જેથી સિંગાપોર સરકારની ગંદા પાણીને રીસાયકલ કરવાની આ નવી પહેલ ત્યાંના લોકો માટે આશીર્વાદ સમાન બની રહેશે.