મુસ્લિમ યુવકે પોતાની માલિકીની જમીન મંદિરને અર્પણ કરીને હિન્દૂ-મુસ્લિમ ભાઈચારાનો અને કચ્છની કોમી એકતાનું ખૂબ મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે…કર્યું સન્માન…
આજના સમયને જોઈએ તો લોકો કોમી વિવાદો કરી ખુબજ ઝગડાઓ થતાં હોઈ છે. તેવાંમાં કચ્છના એક મુસ્લિમ યુવાને હિન્દૂ ધર્મના મંદિર માટે પોતાની જમીન દાનમાં આપી કોમી એકતાનું મોટુ ઉદાહરણ આપ્યું છે અને બંને ધર્મ વચ્ચે એક ભાઈચારાની નવી શરૂઆત કરી છે. આ વાત તેના ગામ સહીત ગુજરાતના ઘણાં વિસ્તારમાં પણ ચર્ચાનો વિષય બની હતી.
તેમજ હંમેશની જેમ ફરી એક વખત શાંતિપ્રિય એવા કચ્છ જિલ્લાએ સમગ્ર દેશમાં કોમી એકતાનો દાખલો પૂરો પાડવા પોતાની કચ્છીયત દેખાડી છે. કચ્છના જખૌના એક મુસ્લિમ યુવકે પોતાની માલિકીની જમીન મંદિરને અર્પણ કરીને હિન્દૂ-મુસ્લિમ ભાઈચારાનોઅને કચ્છની કોમી એકતાનું ખૂબ મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. જેના ગામમાં લોકો ખુબજ વખાણ કરી રહયા છે.
કચ્છના છેવાડાના અબડાસા તાલુકાનો ઇતિહાસ વીરતા અને કોમી એખલાસથી ભરેલો છે. અબડાસા તાલુકાની વાત કરીએ તો તે એક એવું પ્રદેશ જ્યાં અબડા જામ દાદા અડભંગ એટલે કે વીર અબડાએ મુસ્લિમ ધર્મની યુવતીઓના રક્ષણ માટે પોતાના જીવનુંબલિદાન આપ્યો હતો. સર્વે ધર્મ માટે સંભવ ધરાવતા આવા વીર વ્યક્તિત્વના નામે આ વિસ્તારને અબડાસા તરીકે ઓળખવામાં આવ્યો. અને ત્યાંના લોકો પણ ખુબજ સારા અને દયાળું છે.
આ અબડાસા તાલુકામાં સદીઓથી હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો ગામડે ગામડે હળી મળીને રહેતા જોવા મળે છે. તો આ જ અબડાસા તાલુકામાંથી ફરી એક વખત કચ્છની કોમી એકતાનું ઉદાહરણ મળી આવ્યું છે. અબડાસા તાલુકાના જખૌ ગામે એક મુસ્લિમ યુવકે મંદિર માટે પોતાની માલિકીની જમીન આપી સ્વેચ્છાએ તેને મંદિર માટે દાન કરી હતી. જખૌના પોશાળ ચોકમાં જખૌ અબડા રાજપૂત ક્ષત્રિય સમાજના પૂજનીય મોડપીર દાદાનું મંદિર આવેલું છે. આ મંદિરની બાજુમાં વર્ષોથી જખૌના હાજી અબ્દુલ સુમરાનો જૂનો ડેલો આવેલ હતો. મંદિરને મોટુકરવાની વાત ચાલી ત્યારે જમીનના માલિક હાજી અબ્દુલ સુમરાએ તે ડેલાને તોડી પાડેલ અને ખાલી સમગ્ર પ્લોટ જખૌ અબડા રાજપૂત ક્ષત્રિય ભાયાતના મોડપીર દાદાને અર્પણ કરી આપેલ. મુસ્લિમ યુવકના આ હૃદયસ્પર્શી કાર્ય બદલ જખૌ અબડા રાજપૂત ક્ષત્રિય ભાયાત દ્વારા તેમને સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
તેમજ એક વાત ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા દિવસોથી સમગ્ર દેશમાં કોમી રમખાણો વધી રહી છે. એકબીજાના ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કરી લાગણી દુભાવવા જેટલું જ નહીં પણ ધાર્મિક ઉગ્રતામાં અન્ય વ્યક્તિનો જીવ લેવા સુધી લોકો પહોંચી જાય છે. વિવિધતામાં એકતા થકી ઓળખાતા ભારતમાં રોજ આ એકતા પર પ્રહાર થઈ રહ્યા છે. જેના લીધે ભારત દેશમાં વિવાદો ઉભા થઈ રહયા છે. ત્યારે દાયકાઓથી સમગ્ર દેશને કોમી એકતાના ઉદાહરણ પૂરા પાડતા કચ્છમાં આવા દાખલાઓ થકી ભારતની અસલ વિવિધતામાં એકતા દર્શાય છે.