સૌરાષ્ટ્રને ન પુરાય તેવી ખોટ, પ.પૂ. હરિચરણદાસજી બાપુની ચિર વિદાય

સૌરાષ્ટ્રને  ક્યારેય પુરી ના શકાય તેવી ખોટ પડી છે. ગોંડલ રામજી મંદિરના મહંત પૂજ્ય હરિચરણદાસ બાપુ તારીખ ૨૮ માર્ચ ૨૦૨૨ના રોજ વહેલી સવારે પરમાત્મામાં વિલીન થયા. પ.પૂ. હરિચરણદાસજી મહારાજનો જન્મ બિહારના ચંપારણ્ય જિલ્લામાં થયો હતો. તેમના માતાજીનું નામ ચંતિકા તથા પંડિત આનંદ મિશ્ર હતું. પૂ. હરિચરણદાસજી બાપુને તેના પરિવારજનો દ્વારા કરિશ્ચંદ્ર મિશ્ર નામ પાડવામાં આવ્યું હતું.

પૂ. હરિચરણદાસજીના માતાનું અવસાન તેઓ જ્યારે ૨ વર્ષના હતા ત્યારે જ  થયું હતું તેથી તેમનો ઉછેર તેમના પિતામહ દામોદર મિશ્ર દ્વારા કરવામાં આવ્યો હતો અને તેના દ્વારા જ તેમનામાં ભક્તિના સંસ્કારોનું સંચાન થતું રહ્યું હતું. તેમનામાં બાળપણથી જ સંસાર પ્રત્યે વૈરાગ્યની ભાવના વિકસીત થતી રહી અને પોતાની ગરીબી પણ આ વૈરાગ્યભાવના ને દ્રઢ કરવામાં એક નિમિત્ત બની.

અનેક સંઘર્ષોનો સામનો કરવાની સાથે તેઓનું અધ્યયન પણ વધતું જ રહ્યું હતું. આમ તેઓ ૧૯૪૯ના વર્ષમાં કાશી પહોંચી ત્યાં અધ્યયનનો આરંભ કર્યો તથા અધ્યયન વધારતા ગયા. કાશી પહોંચીને એકવાર અસીઘાટ પાસે કોઈ સંતના સંતના આશ્રમમાં રહીને શાસ્ત્રનો અભ્યાસ તથા ભજન કરતા હતા ત્યારે ભગવાન શિવજીમાં એવા એકાકાર થયા હતા કે આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી અને શિવજીને મનોમન વિનવી રહ્યા, “કે હે ભોળાનાથ! મને માર્ગ સુઝાડો, હું આ તમારી સૃષ્ટિમાં ભૂલો પડ્યો છું.” જ્યા આ પ્રાર્થના પુરી થઇ કે સાક્ષાત શિવજી પાસેથી સંદેશ થયો કે “બધું છોડીને ઈશ્વરનું શરણ કરો. બધું સારું  થઇ જશે”.

તે જ દિવસથી એક જ વસ્ત્ર અને પાણીનો લોટો લઇને ગંગાજીના કિનારે પહોંચ્યા અને અનેક સંકટોને પાર કરતા તેઓ ગંગા કિનારે પ્રભુને ભજતાં ભજતાં પ્રયાગ તરફ નીકળ્યા. ૧૯૪૬માં પ્રયાગરાજ તેમણે સંકલ્પ કર્યો કે અહિયાં જે ગુરુ મળશે તેનાથી જ હું દિક્ષા લઈશ અને ત્રણ દિવસના ઉપવાસ બાદ એક સાંજના આરતી સમયે સંત રણછોડદાસજી જેવા જ દેખાતા એક સંત પાસેથી તેમણે દિક્ષા આપી અને અયોધ્યામાં રામઘાટ પર ભજન કરવા આજ્ઞા આપી હતી. ઘણા સમય સુધી તેઓ ચિત્રકૂટમાં રહ્યા હતા.

ત્યારબાદ ૧૯૫૪માં પૂજ્યશ્રી ગોંડલ આવ્યા અને પૂ. રણછોડદાસજી બાપુની આજ્ઞાથી રામ મંદિરની ગાદી સાંભળી ત્યારથી ગોંડલની ધરતી પર સેવાનો અવિરત યજ્ઞ શરૂ થયો તે આજ દિવસ સુધી ફક્ત ગોંડલ જ નહીં પરંતુ ગુજરાતની બહાર પણ સેવા યજ્ઞો ચાલી રહ્યા છે. જેમકે ગોરા ખાતે આદિવાસી બાળકો માટે શાળા, હરીધામ આશ્રમ ઋષિકેશ ખાતે અન્નક્ષેત્ર અને સ્વાસ્થ્ય શિબિરો વગેરે. તથા શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ તરફથી દર્દીઓને બહુ સારી સવલતો અપાઈ રહી છે.

પૂ. હરિચરણદાસજી મહારાજની અધ્યક્ષતામાં ચાલી રહેલી આ હોસ્પિટલમાં ઘણા બધા વિભાગો કાર્યરત છે જેમકે આંખનાં મોતિયાનું ઓપરેશન તદ્દન ફ્રી, જનરલ સર્જરી વિભાગમાં એપેન્ડિક્સ, સારણગાંઠ પ્રોસ્ટેટ ગ્રંથી, પથરી તેમજ અન્ય ગાંઠના ઓપરેશન ફ્રીમાં કરી આપવામાં આવે છે.

સ્ત્રીરોગ વિભાગમાં નોર્મલ ડિલિવરી દવાઓ સાથે, સ્ત્રી રોગને લગતા ઓપરેશન તદ્દન ફ્રી, દરેક પ્રસૂતાને શુદ્ધ ઘી તથા સૂકોમેવો તેમજ નવજાત શિશુ માટે બેબી કીટ, મચ્છરદાની આપવામાં આવી રહ્યું છે. બાળકોના વિભાગમાં કોઇ ચાર્જ લેવાતો નથી તથા કોઈપણ દર્દીના સગા વ્હાલાનો પણ બંને સમયે સાત્વિક ભોજન તદ્દન નિઃશુલ્ક આપવામાં આવે છે.

આ હોસ્પિટલ આજ દિન સુધીમાં 15 લાખથી વધારે ઓ.પી.ડી એક લાખથી વધુ દાખલ દર્દીઓ અને નવ લાખથી વધુ લોકો નિઃશુલ્ક ભોજનનો લાભ લઇ ચુક્યા છે તથા આંખનાં 50 હજારથી વધારે નેત્રમણી ઓપરેશન પણ થઇ ચુક્યા છે.

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.