ગુજરાતના આ ખેડૂતે કર્યો અદ્ભુત આવિષ્કાર ! બનાવ્યું એવુ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર કે જે ઘણો ખર્ચ ઘટાડશે, માત્ર આટલા રૂપિયામાં…

ડીઝલના ભાવ વધતાં ટ્રેક્ટરથી ખેતી કરવામાં ખેડૂતોને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે ત્યારે લાવડ તાલુકાના પીપર ગામના ખેડૂત મહેશભાઈ ભૂતે પોતાની કોઠાસૂઝથી નવો આવિષ્કાર કર્યો છે. આ ભેજાબાજ ખેડૂતે બેટરીથી ચાલતું ઇલેકટ્રીક ટ્રેકટર બનાવ્યું છે. સાત મહિનાની મહેનત બાદ ખેડૂત સ્વયં બનાવેલા ઇલેક્ટ્રિક ટ્રેક્ટરની મદદથી ખેતી કરી રહ્યા છે. ખેતીમાં ઉપયોગ માટે બેટરી સંચાલિત ટ્રેક્ટર બનાવી યુવા ખેડૂતે નવી રાહ ચીંધી છે.

આ ટ્રેક્ટર જોવા માટે આસપાસનાં ગામોના લોકો પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. મહેશભાઈ ભૂતે જણાવ્યું હતું કે કોઈપણ ખેડૂત આ બેટરી સંચાલિત ટ્રેકટર વસાવે તો તે જીરો મેઇન્ટેન્સમાં પોતાની ખેતી કરી શકે છે. જો ખેડૂત ડીઝલ ટ્રેક્ટરથી ખેતી કરે તો તેને દર એક કલાકે 100થી 125 સુધીનો ખર્ચ લાગે છે, કારણ કે એમાં ઓઈલ, ડીઝલ સહિતનો ખર્ચ વધુ લાગે છે.

ઇલેક્ટ્રિક ટ્રેક્ટરમાં ખેડૂતને દર એક કલાકે માત્ર ને માત્ર 15થી 20 રૂપિયાનો જ ખર્ચ લાગે છે. બેટરી સંચાલિત ટ્રેક્ટર હાલ અંદાજિત રૂ.5.50 લાખની પડતર કિંમતમાં થાય છે. ટ્રેક્ટરની અંદર લિથિયમ બેટરીનો ઉપયોગ કર્યો છે. એકવાર બેટરી ચાર્જ થઈ જાય એટલે 10 કલાક સુધી ટ્રેક્ટર ચાલે છે તેમજ ડિજિટલ ડિસ્પ્લે આપી છે.

​​​​​​​ઇન્ડિકેટર ચાલુ કરો તો સિગ્નલ, કેટલા ટેમ્પરેચરમાં ટ્રેક્ટર ચાલી રહ્યું છે એ બતાવે છે તેમજ મોબાઈલ સાથે કનેક્ટ કરવાથી આ બધી વસ્તુઓ મોબાઈલમાં પણ બતાવે છે. આખેઆખું ટ્રેક્ટર મોબાઈલ સાથે કનેક્ટ હોવાથી તમે ગમે ત્યાંથી જોઈ શકો છો કે તમારું ટ્રેક્ટર કેટલા ટેમ્પરેચરમાં ચાલે છે, કેટલી બેટરી છે એ જાણી શકાય છે.

ટ્રેકટરમાં વજન ઊંચકવાની ક્ષમતા 500 કિલો છે. ઇલેક્ટ્રિક ટ્રેક્ટરમાં ચાર ગિયર આપવામાં આવ્યાં છે, જેમાં ત્રણ ફોરવર્ડ અને એક રિવર્સ છે. ડીઝલ એન્જિન સાથેના ટ્રેક્ટરમાં 300 જેટલી વસ્તુ કાઢી નાખી છે. પાછળ 540 આરપીનો પિટિયો આપ્યો છે અને હાઈડ્રોલિક એટલે કે વજન ઊંચકવાની ક્ષમતા 500 કિલોની છે. ટ્રેક્ટરને પાછળ વજન ખેંચવાની કેપિસિટી 200 મણ સુધીની છે.

મહેશભાઇ ભૂતે જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. અત્યાર સુધી ક્યારે જોવા નથી મળ્યું તે મુજબ ડીઝલ પણ આજે 100 રૂપિયા નજીક પહોંચી ગયું છે. આવા સમયે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક છે. ખૂબ સારી રીતે કામ પણ કરી રહ્યું છે અને આ ટ્રેક્ટર બનાવવામાં મને સફળતા મળી છે. જેના મારફત ખેતરમાં ખેતી પણ કરવામાં આવી રહી છે.

આ ટ્રેક્ટરની મદદથી ખેડૂત ખેતીકામમાં વાવણી, ચાસની ખેડ, દાંતી, પંચિયુ, પાછળ પિટિયો હોવાથી તમામ પ્રકારના પાકમાં પ્રેશરથી પણ ચલાવી શકાય છે. ઉલ્લેખનીય છે કે ખેડૂત મહેશભાઇએ 34 વર્ષની ઉંમરે ટીવાયબીકોમ અભ્યાસ પૂર્ણ કરી બાદમાં ઈ-રિક્ષા કોર્સ કરી ગવર્નમેન્ટ માન્ય ISO સર્ટિફિકેટ પણ પ્રાપ્ત કર્યું છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *