પ્રાઇવેટ સ્કૂલોને પણ ટક્કર મારે તેવી જામનગર આ સરકારી શાળા, કે જ્યાં એડમિશન માટે…જાણો વિગતે
મિત્રો વાત કરીએ તો અણઘડ પથ્થરને તરાશીને એમાંથી પ્રતિમા બનાવવાનું, આત્માના અજવાળાંને સંકોરવાનું અને વ્યક્તિને જવાબદાર નાગરિક બનાવવાનું કામ શિક્ષણનું છે, શિક્ષકનું છે, શાળાનું છે. પ્રત્યેક વાલી પોતાનાં સંતાનને સારી કેળવણી મળે તેવી શાળા પસંદ કરે છે. જાત-જાતના અભ્યાસક્રમો અને ભાતભાતના ભણતરના વિકલ્પો આપતી શાળાઓમાં એડમીશન માટે સામ- દામ- દંડ- ભેદનો ઉપયોગ કરતા વાલીઓની વાતો સાંભળીએ ત્યારે આપણને સમજાય કે, જેમ કુદરત પાસે માણસ લાચાર છે એમ જ સારી ગણાતી શાળાઓના સંચાલકો પાસે નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા સંતાનોના વાલીઓ લાચાર છે.
તેમજ સરકારી શાળાઓ વિદ્યાર્થીઓના અભાવે બંધ કરવાનો વખત આવે અને ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવતાં નાકે દમ આવી જાય પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ચક્ર ઉલટું ફરવાનું શરુ થયું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને આખા શિક્ષણ વિભાગે રાજ્યની શિક્ષણ સુવિધાઓમાં આમૂલ પરિવર્તન આણ્યું છે. જ્યાં જરુરી લાગ્યું ત્યાં સમાજના સુખી-સંપન્ન નાગરિકો અથવા ઉદ્યોગ ગૃહોને સાથે જોડીને અફલાતૂન આંતર માળખાંકીય સુવિધાઓનું નિર્માણ કરાવ્યું છે સાથે સાથે શિક્ષકોને પણ પ્રેરણા આપીને પોતાની પ્રતિભાનો મહત્તમ લાભ વિદ્યાર્થીઓને મળે તે માટે પ્રોત્સાહિત કર્યા છે.
આમ જામનગર મહાનગરપાલિકાની પ્રાથમિક શિક્ષણ સમિતિની રજૂઆત સ્વીકારીને પાયાની જરૂરિયાતો સાથેની શૈક્ષણિક સુવિધા ઉપલબ્ધ કરવા માટે લાલવાડી વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા નં-1 ના નવા મકાનના નિર્માણનો પ્રોજેક્ટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ગત ફેબ્રુઆરી માસમાં સંપન્ન કરાયો છે.આ નવનિર્મિત શાળામાં ‘બિલ્ડીંગ એઝ લર્નિંગ એઇડ’ (BALA) ની વિભાવનાને સાકાર કરતા વર્ગખંડો અને શાળાની લોબીમાં સુંદર શૈક્ષણિક ચિત્રો બનાવાયાં છે. સી.સી.ટી.વી. કેમેરા, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, પીવાના પાણી માટે આર.ઓ. પ્લાન્ટ, ક્લાસરૂમ ફર્નિચર, સાયન્સ લેબોરેટરી, કુમાર- કન્યાઓ અને શાળાના કર્મચારીઓ માટે અલગ ટોયલેટ બ્લોક્સની સુવિધા ઉપરાંત કલા- સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને રમત-ગમતને પ્રોત્સાહિત કરવા સ્પોર્ટ્સ કીટ અને સંગીતનાં સાધનોથી પણ આ શાળાને સજ્જ કરવામાં આવી છે. શાળા પરિસરમાં ટ્રી ગાર્ડ સાથે વૃક્ષારોપણ દ્વારા હરિયાળીનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આમ આ સાથે ઉલ્લેખનીય છે કે, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને અક્ષય પાત્ર ફાઉન્ડેશનની સાથે સહયોગીતામાં મધ્યાહન ભોજન કાર્યક્રમ અંતર્ગત બાળકોની પૌષ્ટિક આહારની જરૂરિયાત સંતોષવામાં આવી છે. જામનગર જિલ્લાની આ અને આવી કેટલીયે સરકારી શાળાઓ એ ઉત્તમ માળખાંકીય સુવિધા અને શ્રેષ્ઠ ગુણવતાના શિક્ષણના રાજ્ય સરકારના સંકલ્પને સાકાર કર્યો છે. આમ આ અંગે વાલી સરલાબેન સોનગરા જણાવે છે કે હું અને મારા પતિ બંને સરકારી નોકરીયાત છીએ. અમે આ શાળાની પ્રથમ વખત મુલાકાત લીધી ત્યારે આ શાળાનું બિલ્ડીંગ તથા સમગ્ર કેમ્પસ ખૂબ જ સુંદર જણાતા અમે અમારા બાળકનું એડમિશન અહીં લેવાનો નિર્ણય કરેલો.
વધુમાં જણાવે છે જે “હાલ અમારું બાળક અહીં પ્રથમ ધોરણમાં અભ્યાસ કરે છે. આ શાળા અનેક સુવિધાઓથી સજ્જ છે.ઋષિ મુનિઓના નામ પરથી ક્લાસરૂમના નામ, સુંદર પેન્ટિંગ્સ અને ખૂબ જ વ્યવસ્થિત અને કો-ઓપરેટીવ સ્ટાફ. આ બધી જ બાબતો આ શાળાને અન્ય શાળા કરતા અલગ બનાવે છે.” આમ હાલ આજુબાજુની બધી ખાનગી શાળાઓમાંથી પોતાનાં સંતાનોને ઉઠાડીને વાલીઓ આ શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે.ચાલુ વર્ષે જ 250 જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓમાંથી આ શાળામાં એડમિશન લીધું છે.